આ હવા સમ જીવવું એ તો છે કલા
राह पर सब साधु तो है चलाता भला ।


આ સમય અર્થાત - ઘટનાના કાફલા
સાંચવો નાજુક અને નમણા મામલા


હોય છે નોખા નિયમ આ બ્રહ્માંડના
શક્ય છે પળમાં ઘટે જોજન ફાસલા


લય, તરંગો, ભાવનાની આ વાત છે
ચેતનાનું છે ગણિત અથવા દાખલા


પથ્થરોનું રૂપ લૈ આવ્યાં છે પ્રભુ -
લો - કરો રે કંકુ, પેરાવો નાગલા



કવિ રાવલ.
છન્દ વિધાનઃ ગા,લ,ગા,ગા - ગા,લ,ગા,ગા - ગા,ગા,લ,ગા
ઉગીને નાભિમાં - ફેલતા છાતીમા, ને રક્તમાં ભળતા કદાચિત
નસેનસમાં - વમળ- આ તરન્ગોના જ રે'તા હવે તરતા કદાચિત

બધી લીલાશ, પન્ખી - અને માળો ગયાં ઝાડમાંથી એટલે તો...
રડે છે વ્રુક્ષ - ને આંસુ માફક ડાળથી પાંદડા ખરતા કદાચિત

ગણિત અર્થાત - હલચલ,તરન્ગો,સ્પન્દનોનો બનેલો દાખલો બસ-
સરળ કે ગૂઢ - આ ગૂંચવણની ગાંઠને સૌ સતત ગણતા કદાચિત

ગહન હો જ્ઞાન યા હોય પાગલપન - દશા બેય સરખી સાવ જાણે,
અવસ્થા કૈ હશે ? - એ'ય મસ્તીમાં રહે છે બધે ફરતા કદાચિત

હવાની જેમ નીકટ વહે, - સ્પર્શે - સરે ઓઢણી માફક અચાનક -
પરમ પોતે બની શ્વાસ-પળપળ ભીતરે સાવ-સળવળતા કદાચિત..


- કુ. કવિ રાવલ

ઉઠાવીને બધી બંદિશો
સફાળી નીકળી ગઈ ચીસો..


હુ ખરબચડો કહું કે લીસ્સો ?
હતો જે લાગણીનો કિસ્સો...


પછી ના કેમ પાડુ મિત્રો ? -
ધરી જો જામ પૂછેઃ 'પીશો' ?

હ્રદયને થાય પીડા કેવી ?
મરણ પામે અગર ખ્વાહીસો...


વિખેરાઈ ગયું હોવાપણું
સમેટવાની ન કર કોશિશો




-કવિ રાવલ.

કાળુ ક્યારેક - ક્યારેક ધોળુ
હોય ક્યારેક રંગીન થોડુ


આઘુ ક્યારેક - ક્યારેક ઓરૂ -
આ વિચારોનુ વિકરાળ ટોળુ..


છે વિવિધતા પ્રકારોમાં કેવી ?
હું શુ પકડું અને શું હુ છોડુ ?!


ઘૂઘવાયા કરૂ - ઊછડુ હું -
ચોતરફ આમ ને તેમ દોડુ...

અપશુકન કે શુકન થાય કૈ પણ
લાવ આજે હવે કાચ ફોડું .....

-કવિ રાવલ.


ન સવાર થઈ કે ન સાંજ થઈ - ન વહી હવા, ન બહાર થઈ
ન થયું કશું - ન થશે કશું - હુ ઉભી છું માત્ર અભાવ થઈ

અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું -
વિધિવત મને જો તું ખોલશે - હું તને મળીશ ઉઘાડ થઈ

તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ

એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ -
અનુભૂતિ એ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ

હું આ ઝાડ થૈ ને ઉભી રહું કે પરણ થઈ ખખડ્યાં કરૂ ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઈ

-કવિ રાવલ

સુસ્મિત અધર અને નયનો સજળ !!!
સપના - થયા હશે જાણે સફળ



ઝાકળ કે અશ્રુઓ અર્થાત જળ -
થઈ ગઈ છે આખ ભીની, લે પલળ !!!...

વાદળ અહીં અને ત્યાં છે વમળ
જળની અદા તથા અર્થો અકળ

ભીની હવા અને છે ભીનુ સ્થળ
ભીનો સમય - અને એક્કેક પળ



સંવેદનાનુ લથબથ ભીનુ દળ -
ક્યારેક તું'ય ભીનો થૈને મળ.


-કવિ રાવલ


છન્દ વિધાનઃ ગા,ગા,લ,ગા - લ,ગા - ગા,ગા,લ,ગા
તા જગીવાળી સવારો નિતનવી
પૂર્વમાં લઇને સદા ઉગતો રવિ


હૂફથી - સ્પર્શે જરા એ જાળવી -
છે - કિરણની સૌ અદાઓ આગવી

સુંઘવી ને સ્પર્શવી ને ચlખવી
છે - ગઝલને, પૂર્ણતાથી પામવી

એટલે અનુભૂતિઓ છે સાંચવી
ભેટમાં મારે હતી એ આપવી

ક્યાં સરળ છે લાગણીને આંકવી
છોડને સન્વેદનાઓ માપવી

આમ તો તારે'ય પણ છે વાચવી
પણ ગઝલ મારે નથી એ છાપવી


રાજવી ને આગવી ને અવનવી
ચેતનાઓ શબ્દની માણો "કવિ"





-કવિ રાવલ.

આપણી વચ્ચે સમયગાળો અને સંજોગ છે...
આ વિરહ પણ કેટલાં મોટા ગજાનો યોગ છે.


ભાર,ભણકારા,નિસાસો,આહ, ડૂમો ને વ્યથા -
એમ લાગે - કે બધે વાતાવરણમાં શોગ છે..


જાતને આ ભીંડમાં ટટ્ટાર રાખી ચાલવું..
એ - જિગરના હોસલાનો આકરો ઉપયોગ છે.


ગાઢ સુનકારો, હવા ને સાંજ સેવે સ્વપ્નને...
આ -ક્ષણો- તો સાંચવી અકબંધ રાખ્યા જોગ છે.


ત્યાં હશે વર્ષા - અહીં આબોહવા છે ભેજમય
જો - પરસ્પર આપણી - કેવો સરસ સંયોગ છે.


-કવિ રાવલ.

“વિરક્તિ”

ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી


એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી


ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી


કોણ છે તું કબીર જેવી ?
પૂછ્યું છે તો કહું: “વિરક્તિ”


જો આ મસ્તી બને અનુભવ
તો અનુભવ બને છે મસ્તી



- કવિ રાવલ


સમય

નદીનુ વ્હેણ છે સમય
પળોનુ રેણ છે સમય


જુવે બધું - કહે કશુંક -
નજર છે નેણ છે સમય


હિસાબ છે અરસપરસ -
-કે લેણદેણ છે સમય


નિયમ થયાં - કહેવતો
અર્થાત કહેણ છે સમય


મરોડદાર ને અકળ -
કલમની ફેણ છે સમય



-કવિ રાવલ.

નિર્વિકલ્પે

હોય તૃષ્ણા બીજને પણ ફૂંટવાની
તો જ ઘટનાઓ ઘટે છે ઊગવાની..

રોજ રાત્રે એ ગણે છે તારલાઓ -
છે ઘડી કૈ વીજ ચમકારો થવાની ?

માંગવું છે આજ જો તારો ખરે તો
એટલે બસ રાત આખ્ખી જાગવાની

એ જ મારી સાધના છે જોઈ લે તું
ત્યાગ દ્વારા હું ઘણુંયે પામવાની

ઝિંદગી શતરંજ છે, પ્યાદા રમે છે..
નિર્વિકલ્પે ચાલ કોઈ ચાલવાની....


-કવિ રાવલ...

મખમલી

સ્પર્શ હા એનો ભલેને મખમલી છે
લાગણીઓ તો'ય પણ આ જોખમી છે


વાદળોથી બનેલી એ પરી છે
એટલે તો આંખમાં એની નમી છે


ઝિન્દગીની સૌ અદાઓ આગવી છે
આપની દીવાનગી પણ લાઝમી છે


એક એ આભાસ ઘેરો ને ગહેરો
છે નશો જેની અસર આ કાયમી છે.


છે વળી એ આપની આગોશ જેવી
એટલે તો એ મને હરદમ ગમી છે..



-કવિ રાવલ

વાંચી શકો તો મૌનની ભાષાને વાંચો
પામી જશો શબ્દો બધાનો અર્થ સાચો


સંવેદનાને કોઇ પણ વ્યાખ્યા ન આપો
સૌન્દર્ય એનું મુક્તિ છે નહિ કોઇ ઢાંચો


પ્રશ્નો બધની શોધમાં ભટકો ન ભાગો
થોભો અને ક્યારેક બસ ભીતરમા રાચો


સળવળ થતા શ્વાસો અને બીડેલ આંખો
સેવી રહ્યા છે કલ્પના - કૈ ખ્યાલ કાચો


મનમાં રહે છે એક ચિત્ર - આભાષ આછો
ગોપી અને મીરા સરીખો નાચ નાચો


-કવિ રાવલ

એકલા છોડીને બેઠા કાફલો
દોસ્ત, સુનકારો ગમે પણ આટલો ?!!


રાતભર સાથે સવારે ક્યાંય નૈ -
સ્વપ્ન જેવું કાં કરે આ તારલો ?!


શેષમાં અવશેષ બચ્યાં જાતનાં
પ્રેમનો ગણવા ગયેલા દાખલો


એમણે ફૂકી ચલમ - પીધી સુરા
તરબતર ઘટના - નશીલો મામલો


તો'ય આપસમા સદા મળતા રહ્યાં
કે ભલેને હોય વચ્ચે ફાસલો...



-કવિ રાવલ.

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે
દાખલો ઓકાતનો અડધો લખે છે

વીજળી, વાદળ અને વગડો લખે છે
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
કોણ મારા નામનો પડઘો લખે છે ?!!

ચામડી પર વાગતો ચટકો લખે છે
સ્થળ,સમય,ઘટના.. કશે અટકો લખે છે.

છાયડા, વરસાદ ને તડકો લખે છે
ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.


-કવિ રાવલ.

પાસ આવી અનેરા કો' પરિવેશમાં
કો'ક મીઠ્ઠું સપન આપી ગયું ભેટમાં


સ્પર્શ- આછો,ગહેરો ને અસરદાર એ
કોણ જાણે કહેતો'તો શુ સન્કેતમાં ?!!


રાતભર સ્વપ્ન જોયાનો નશો છે હજી-
એટલે તો સવારે હોઉ છું ઘેનમાં


છો દલીલો કરે - આરોપ મૂકે બધા
આવશે તો'ય ચૂકાદો એ તરફેણમાં


આમ તો સાવ પામી લીધુ'તું મે'ય પણ
હાથમાંથી છતાં સરકી ગયું સ્હેજમાં


કવિ રાવલ

(છંદ વિધાનઃ ગા,લ,ગા + ગા,લ,ગા,ગા + ગા,લ,ગા + ગા,લ,ગા )

ફર્ક છે નામનો પણ જુદા નથી
શું સનમનો જ મતલબ ખુદા નથી...


એક એહ્સાસ - જે આસપાસ છે,
ચીજ કૈં - કોઇ એ ગુમશુદા નથી

જલ સમી એ - વહેતી રહે સતત
ઝિન્દગી વ્હેણ છે, બુદબુદા નથી

જાત પાણીની ખુદનો પ્રવાહ છે...
કૈ ગરજ આપની નાખુદા નથી

એક નાજુક - નશીલો વિચાર છે !!!
ને સવાલાત પણ મોજુદા નથી


કવિ રાવલ

= + =

फर्क है नाम का पर जुदा नही
क्या सनम ही का मतलब खुदा नहीं ?

वो लहर सी बहेती रहे सदा
झिंदगी मौज है बुदबुदा नही

जल हु मे ख़ुद का बहाव है
कुछ गरज आप की नाखुदा नही

एक अहेसास जो आसपास है
चीज़ वो कोई भी गुमशुदा नहीं

एक नाजुक नशीला ख़याल है
कुछ सवालात भी मोजुदा नही


-कवि


અંદાઝ આપણો અલગ ને અદા છે અલગ-અલગ
વર્તન અલગ અને વિચાર બધા છે અલગ-અલગ

-કૈ ગુપ્ત વાત, કોઇ આજ અગર કાનમાં કહે -
કારણ અલગ,અરથ અલગ ને કથા છે અલગ-અલગ

ક્યારેક ઝાડ પર - કદીક વળી ઘાસમા ઉગે,
લીલાશ ફૂટવાની સર્વ જગા છે અલગ-અલગ

વિસ્તાર માત્ર એક બીજનો બ્રહ્માંડ થૈ ગયો
રૂપો અનેક - એકના જ થયા છે અલગ-અલગ

સન્માન હોય, પ્રેમ હોય, કલા હોય, હોય તપ,
ફિતરત અલગ,અલગ પ્રકાર, નશા છે અલગ-અલગ


-કવિ રાવલ

એક ઈશારો ગમે પણ આટલો ?!
અર્થ રૂપાળો ગમે પણ આટલો...
તું ગમે ને વાત તારી પણ ગમે
સાથસથવારો ગમે પણ આટલો ?!
જાંબલી આભાસ તારો બહુ ગમે -
સ્પર્શ હૂફાળો ગમે પણ આટલો ?!
હું ગઝલ લખતી રહું છું રાતદિન
શબ્દ નખરાળો ગમે પણ આટલો ?!
વાતને વાગોળવાની છે મજા -
જાતપંપાળો ગમે પણ આટલો ?!
ઝાડને લીલાશ ગમતી હોય છે
ડાળને માળો ગમે પણ આટલો ?!
શક્ય છે એકાન્ત ગમતું હોય એ -
દોસ્ત, સુનકારો ગમે પણ આટલો ?!!!
-કવિ રાવલ.

વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક
નથી બસ કશું પણ નથી દોષપૂર્વક

ગયેલું હતું મોજુ આક્રોશપૂર્વક
કિનારો કહે એ જ અફસોસપૂર્વક

ઉભા શુષ્ક ગ્રીવા લઈ શોષપૂર્વક
કરો સ્નિગ્ધ એને પરિતોષપૂર્વક

કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક
ગઝલ પણ લખો તો લખો હોશપૂર્વક

હ્રદયમાં ઉમળકા હતા જોશપૂર્વક
થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક


-કવિ રાવલ