જીન્દગી છે શોધ સઘળા અર્થની
સાવ ઘેરા - ગૂઢ ગરવા અર્થની

ગૂંબજોની ગૂંજ, પડઘા, ખીણ પણ -
અટપટી છે વાત હમણા અર્થની

છે અજાણ્યા સત્યના ચહેરા ઘણાં
જાણવી છે જાત અઘરા અર્થની

ફૂંટવું ને ફાલવું - ખરવું પછી..
એ જ છે ઘટમાળ નમણા અર્થની

શોધતાં ને જાણતા, ને છૂટતા -
સાધના જે હોય કરતા અર્થની

ભીન્ન રૂપે - ભીન્ન ભાસે ને ભલે
ખોજ છે એ - એક સરખા અર્થની.



કવિ રાવલ.

શ્લોક અથવા શ્રૃતિ


પ્રેરણા પોતે બની જો જાય પ્રસ્તુતિ
તો પછી સર્જાય છે ઉત્તમ કલાકૃતિ

ઝાડ નૈ પણ બીજની થૈ કેમ ઉત્પતિ ?
શોધ એની એ જ તો છે મારી સંસ્કૃતિ..

વર્તુળાકારે ફરી લીધું છે હે હરિ -
ના ગતિ નૈ જોઈએ છે આપ ઉન્નતિ..

ઝીંલવાના હોય છે સંવેદનો અહિં
દોરવાની હોય છે તેની જ આકૃતિ

ચેતનાઓ શબ્દમાં આવે અગર કવિ
તો બને એ શ્લોક અથવા તો બને શ્રૃતિ


કવિ રાવલ

આમ છે જાહેર તો પણ છાનુ છે !!!
પૂછવાનું - એ જ તો ઉખાણુ છે


અટકળોથી કૈં જ ક્યા વળવાનુ છે ?
એ થશે - જે આખરે થાવાનુ છે..


બેસવાનું - કે પછી - જાવાનુ છે ??
માર્ગમાં - નક્કી હવે કરવાનુ છે..


હૂફથી બસ તરબતર થાવાનુ છે......
એમની આગોષ તો મે'ખાનુ છે ...


કાળના આ પાત્ર નીચે કાણુ છે..
દોસ્ત, દુનિયા એક પાગલખાનુ છે..


કવિ રાવલ.