શબ્દો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે
પડઘો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ઘેઘૂર આ લીલાશની ડાળો વચાળે થઈ અને પડતો રહે -
તડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ભરચક બફારો એટલે બાષ્પીભવન - ટપ ટપ થતા વાદળ સમી,
આંખો - અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ભીની હવાનાં સ્પર્શથી હલતાં રહે છે રાતદિન કેવાં સતત -
પર્ણો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

આ ઝિંદગી રોમાંચ છે સંવેદનો બસ અર્ક છે રોમાંચનો
થડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે


-કવિ રાવલ