મનનાં અનેક ભાવ ક્યાં લખી શકાય છે ?
છો ને કલમ ઉઠાવ ક્યાં લખી શકાય છે ?


નાજુક હતાં અહી બધા જ મામલા લખો -
ઘટના અને બનાવ ક્યાં લખી શકાય છે ?


લખવું હતું બધું જ પત્રની ઉપર સખી...
પણ ભાવ ને પ્રભાવ ક્યાં લખી શકાય છે ?


પડઘા બધાં લખી શકાય તો લખી જુઓ -
આ એમનો અભાવ ક્યાં લખી શકાય છે ?


કાફી તમારુ નામ છે અગર લખી શકું,
પણ એ'ય ચોખ્ખુ સાવ ક્યાં લખી શકાય છે ?


-કવિ રાવલ



જીન્દગી છે શોધ સઘળા અર્થની
સાવ ઘેરા - ગૂઢ ગરવા અર્થની

ગૂંબજોની ગૂંજ, પડઘા, ખીણ પણ -
અટપટી છે વાત હમણા અર્થની

છે અજાણ્યા સત્યના ચહેરા ઘણાં
જાણવી છે જાત અઘરા અર્થની

ફૂંટવું ને ફાલવું - ખરવું પછી..
એ જ છે ઘટમાળ નમણા અર્થની

શોધતાં ને જાણતા, ને છૂટતા -
સાધના જે હોય કરતા અર્થની

ભીન્ન રૂપે - ભીન્ન ભાસે ને ભલે
ખોજ છે એ - એક સરખા અર્થની.



કવિ રાવલ.

શ્લોક અથવા શ્રૃતિ


પ્રેરણા પોતે બની જો જાય પ્રસ્તુતિ
તો પછી સર્જાય છે ઉત્તમ કલાકૃતિ

ઝાડ નૈ પણ બીજની થૈ કેમ ઉત્પતિ ?
શોધ એની એ જ તો છે મારી સંસ્કૃતિ..

વર્તુળાકારે ફરી લીધું છે હે હરિ -
ના ગતિ નૈ જોઈએ છે આપ ઉન્નતિ..

ઝીંલવાના હોય છે સંવેદનો અહિં
દોરવાની હોય છે તેની જ આકૃતિ

ચેતનાઓ શબ્દમાં આવે અગર કવિ
તો બને એ શ્લોક અથવા તો બને શ્રૃતિ


કવિ રાવલ

આમ છે જાહેર તો પણ છાનુ છે !!!
પૂછવાનું - એ જ તો ઉખાણુ છે


અટકળોથી કૈં જ ક્યા વળવાનુ છે ?
એ થશે - જે આખરે થાવાનુ છે..


બેસવાનું - કે પછી - જાવાનુ છે ??
માર્ગમાં - નક્કી હવે કરવાનુ છે..


હૂફથી બસ તરબતર થાવાનુ છે......
એમની આગોષ તો મે'ખાનુ છે ...


કાળના આ પાત્ર નીચે કાણુ છે..
દોસ્ત, દુનિયા એક પાગલખાનુ છે..


કવિ રાવલ.

પડઘો..

મૌનનો અતિરેક પડઘો
સાંભળો ક્યારેક પડઘો

સૂર્ય ડૂબીને બને છે
રોજ સાંજે એક પડઘો

નભ બનીને વિસ્તરે છે
આ ક્ષિતિજ લગ છેક પડઘો

કેમ પડઘાતો રહે છે ???
એકલો પ્રત્યેક પડઘો

જો લગોલગ પાસ આવી
સ્પર્શતો હળવેક પડઘો

-કવિ રાવલ

આપણી વચ્ચે

સતત જલતી રહે છે એક શમ્મા આપણી વચ્ચે
ગઝલના શેર છે કે પદ કે નગમા આપણી વચ્ચે

સહજ બસ જીરવાય જાય સદમા આપણી વચ્ચે
સમજદારી ઘણી રે હાય ખમ્મા આપણી વચ્ચે

અહીં તો આપવનો અર્થ થાતો પામવા જેવો,
કરો ઉધાર તો યે થાય જ્મ્મા આપણી વચ્ચે

કબીરો,કોઈ મીરા,બુધ્ધ, કે નરસિંહની માફક
નથી રે'તી જગતની કોઈ ત્તમા આપણી વચ્ચે

કરીને હાથ ઉંચા તો દુઆ માંગો ખુદા પાસે
રહે કાયમ સદા આપસમા ઉષ્મા આપણી વચ્ચે

-કવિ રાવલ.

સિલસિલો...

ચાતરેલો એક ચીલો જોવા મળે છે
દોડવાનો સીલસીલો જોવા મળે છે

રાત દિવસ -ચાંદ,સૂરજ,તારા ફરે છે,
આભમાં ફરતો કબીલો જોવા મળે છે

'છોકરાને છોકરી વચ્ચે પ્રેમ છે હો' -
વ્યસ્ત ચર્ચામાં વડીલો જોવા મળે છે

એ - વિરોધાભાષમાં તો બસ મૌન છે પણ
આંખની અંદર દલીલો જોવા મળે છે

કાળ પ્રતિક્ષારત ઉભો છે જંગલમાં કોની ?
સાવ નિર્જન એક કિલ્લો જોવા મળે છે

-કવિ રાવલ
(Mishra Chand: ga la ga ga, ga la ga ga, ga ga la ga, ga।)

તથ્ય.

આ સમુહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઈએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઈએ

અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં,
ધ્યાન ખેંચે તેવુ તેમા મધ્ય હોવું જોઈએ

નાટ્ય,સંવાદો,કથાનક-કેટલું કૈ છે છતાં
એમ લાગે છે કે થોડુક પદ્ય હોવું જોઈએ

લીંબડાનાં પાન કડવા,ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઈએ

ચાંદ,તારા,સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે કૈ ભવ્ય હોવું જોઈએ


-કવિ રાવલ

ગોઠવી જોજે

નદીનો અર્થ તારા નામ સામે ગોઠવી જોજે
બને તો બે'ય કાંઠા સામસામે ગોઠવી જોજે

હુ શું આપી શકુ ઉત્તર તને, તlરા સવાલોનો ?
સવાલો અન્તમાં અંજામ સામે ગોઠવી જોજે

દિશાઓને ય ક્યાં છે જાણ કૈ સૂરજનાં ઉગવાની..
સફર આશા અને મુકામ સામે ગોઠવી જોજે

પછી ફેલાવ પાંખોને, પ્રથમ નક્કી દિશા તો કર
પવનના રુખ અને આયામ સામે ગોઠવી જોજે.

જરા જોતો ખરા એ શું કરે છે દ્વરકામાં જઈ -
લઈને વાંસળી તું શ્યામ સામે ગોઠવી જોજે


Kindly note that I and Dr. Mahesh Raval बोथ
have written one Gazal on a common and
Radeef. So, one of his Gazals oalso have similar
Matlaa एंड Radeef.

-કવિ રાવલ

ख़ुद से ख़ुद का हो गया था सामना

ख़ुद का ख़ुद से हो गया था सामना
और उसने फ़ोड डाला आईना
मार कर सच को की उसने ख़ुदकुशी
फिर बचा बस खुद से ख़ुद का भागना
गुफ्तगू होती रही चुपचाप बस
साथ तारों के हुआ था जागना
छु रहा था कुछ हवाओं सा मुझे
नाम उसका क्या कहा था साजना ?
बस सितारों से भरा था आसमाँ
रातभर जायज्ञ था मेरा जागना
-कु. कवि रावल

જરા

જાજુ ક્યાં હું માંગુ છું ? આપો જરા
ચાલવા છે ત્રણ કદમ - માપો જરા

ત્રણ કદમનો ફાસલો વચ્ચે હતો -
માત્ર અન્તર આટલું કાપો જરા..

ચાન્દની જો'તી અગર જો હોય તો
ચાંદને આકશમાં સ્થાપો જરા

બે ટકોરા બારણે અકબન્ધ છે..
જા - જઈને ખોલ તું ઝાંપો જરા..

આપ ચાહો છો મને સત્કારવા -
આ ક્ષિતિજની જેમ તો વ્યાપો જરા..


-કવિ રાવલ

અચરજ

નજાકત, ખુમારી ને આછો નશો છે
અહીં ઝિન્દગીનો ખરો દબદબો છે

નવા છે પ્રસંગો - નવો હાદસો છે
બધી હલચલોમાં અનુભવ નવો છે..

સરસ છે -અસર છે -તફાવત કશો છે
અહેસાસ થોડોક અચરજ સમો છે !

અકારણ હશે કે ઘણાં કારણો છે ?
હજી તો મને બસ પરિચય થયો છે..

રમત છે - ખબર છે અને ઉલઝનો છે
સનાતનપણાની બધી હરકતો છે..

-કવિ રાવલ.

તત્પર..

અમે તત્પર તમે તત્પર,ઉભા છો કેમ થોભીને ?...
નદીની જેમ, બસ ક્યારેક આવી જાવ દોડીને..


બધા નિયમો - બધા છન્દો, બધા બન્ધનને તોડીને,
ગઝલ લખવી હતી મારે બધાયે શબ્દ છોડીને...


બધો વિસ્તાર ને વ્યવહાર કે ઘટમાળ, ત્યૌહારો
વિકલ્પો છે અભાવોના નકામા સૌ પ્રયોજીને..


તુરો સ્વાદે - અને કોરો હવાઓના વમળ જેવો
હ્રદયમાં છે જે ખાલીપો, ભરી દો આપ શોધીને


તમારો ભાસ ને આભાસ થૈ ઘેરી વળે પડઘા
થવું છે તરબતર આ જાતને તેમા ઝબોડીને.


-કુ. કવિ રાવલ

કાગળ,કલમ ને મેજ

કાગળ,કલમ ને મેજ હશે
થોડા લખેલાં page હશે











હાં,રાતભર છે સેવ્યું તમસ
તેથી સવારે તેજ હશે
દ્વારે થયો પગરવ જો કશો
લાગ્યું મને કે એ જ હશે

શું એ તમારો સ્પર્શ હતો ?
કે ભાસ એવો સ્હેજ હશે ?!

-ભીનાશ જેવું -આમ નથી
વાતાવરણમાં ભેજ હશે..

કુ. કવિ રાવલ

(છંદ વિધાનઃ ગા,ગા,લ,ગા + ગા,ગા,લ,લ,ગા)