ન સવાર થઈ કે ન સાંજ થઈ - ન વહી હવા, ન બહાર થઈ
ન થયું કશું - ન થશે કશું - હુ ઉભી છું માત્ર અભાવ થઈ

અહિ બંધ છું હુ કમાડ સમ નહિ આપમેળે ખુલી શકું -
વિધિવત મને જો તું ખોલશે - હું તને મળીશ ઉઘાડ થઈ

તરુવર હરિત ને હવા પુનિત, રુજુ વાદળી ને છે તારલો
મુનિવર સમા છે પહાડ સૌ સરિતા વહે છે વહાલ થઈ

એ ભલે વહે ને વહે સદા ને વહે ભલેને બધી તરફ -
અનુભૂતિ એ જ નવી નવી મને આ પહેલી જ વાર થઈ

હું આ ઝાડ થૈ ને ઉભી રહું કે પરણ થઈ ખખડ્યાં કરૂ ?
છું હું બીજમાં ને બધેય હું જ છું મૂળભૂત વિચાર થઈ

-કવિ રાવલ