એમનું છાનુ અસ્તિત્વ આ - કેમ સમજાવવું હવે ?
જોઈલો બસ તમે આખમાં આંસુનું આવવું હવે...!!!

આ અભાવોનુ વન સાવ ખાલી અને સ્તબ્ધ છે બધું -
પાનખરની આ મોસમમાં ક્યાંથી કશું વાવવું હવે ?..

રિક્તતા માત્ર પોતાની - બાકી બધું તો છે અન્યનું
પારકી ચીજથી શક્ય છે ? મન બહેલાવવું હવે ?

આપના વીણ વરસાદ આ ભીંજવી પન નહીં શકે....!
છે નિરર્થક અહીં વાદળૉનું'ય ઘેરાવવું હવે...

કારણો સ્પષ્ટ આપી શકાતા નથી - સૌ બનાવનાં
કોઈ કારણ અકારણનું ક્યાંથી કહો લાવવું હવે ?!!........

-કવિ રાવલ.
ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.

સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ -
સાવ થઇ જાઓ અવાચક શક્ય છે..

પ્રેમની પેચીદગીને તો જુઓ -
કારણો એના અકારણ શક્ય છે..

ખૂશ છે ભૂલી જઈને એ બધું -
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે...

બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં નાં હો તફાવત શકય છે..

માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે -
તે મળે સામે અચાનક શક્ય છે..

જિંદગીભર માન્યું હો જેને ગલત
અંતમાં લાગે બરાબર શક્ય છે..


કુ. કવિ રાવલ
માપદંડો કેટલાં સાચા અને ખોટા કહો ?
છે બધાં મોટા ખરેખર કેટલાં મોટા કહો ?!

ત્રાજવા લઈને તમે ઉભા રહો તો થાય શું ? -
સત્ય કે સંવેદનાના હોય શું જોટા કહો ?

તોલશો કે માપશો કઇ રીતથી એને તમે ?
ધુમ્મસી છે તત્વ - યા તો ધુમ્મસી ગોટા કહો..

ના વજન, લંબાઈ, પહોળાઈ - કલર, ગુણ, ગંધ નહિં -
તો'ય એના પાળશો ક્યાંથી તમે ફોટા કહો ?

સત્ય કે માયા વચાળે ફેર શું - કોને ખબર ?
તો ખરા કોને અને કોને તમે ખોટા કહો ?

-કુ. કવિ રાવલ
શબ્દો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે
પડઘો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ઘેઘૂર આ લીલાશની ડાળો વચાળે થઈ અને પડતો રહે -
તડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ભરચક બફારો એટલે બાષ્પીભવન - ટપ ટપ થતા વાદળ સમી,
આંખો - અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ભીની હવાનાં સ્પર્શથી હલતાં રહે છે રાતદિન કેવાં સતત -
પર્ણો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

આ ઝિંદગી રોમાંચ છે સંવેદનો બસ અર્ક છે રોમાંચનો
થડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે


-કવિ રાવલ