એકલા છોડીને બેઠા કાફલો
દોસ્ત, સુનકારો ગમે પણ આટલો ?!!


રાતભર સાથે સવારે ક્યાંય નૈ -
સ્વપ્ન જેવું કાં કરે આ તારલો ?!


શેષમાં અવશેષ બચ્યાં જાતનાં
પ્રેમનો ગણવા ગયેલા દાખલો


એમણે ફૂકી ચલમ - પીધી સુરા
તરબતર ઘટના - નશીલો મામલો


તો'ય આપસમા સદા મળતા રહ્યાં
કે ભલેને હોય વચ્ચે ફાસલો...



-કવિ રાવલ.

કાળનાં કાગળ ઉપર કક્કો લખે છે
દાખલો ઓકાતનો અડધો લખે છે

વીજળી, વાદળ અને વગડો લખે છે
ચન્દ્ર નહિ પણ તારલો ખરતો લખે છે

શબ્દ નૈ પણ શબ્દનો થડકો લખે છે
કોણ મારા નામનો પડઘો લખે છે ?!!

ચામડી પર વાગતો ચટકો લખે છે
સ્થળ,સમય,ઘટના.. કશે અટકો લખે છે.

છાયડા, વરસાદ ને તડકો લખે છે
ઝિન્દગી પણ કેટલી શરતો લખે છે.


-કવિ રાવલ.