તથ્ય.

આ સમુહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઈએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઈએ

અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં,
ધ્યાન ખેંચે તેવુ તેમા મધ્ય હોવું જોઈએ

નાટ્ય,સંવાદો,કથાનક-કેટલું કૈ છે છતાં
એમ લાગે છે કે થોડુક પદ્ય હોવું જોઈએ

લીંબડાનાં પાન કડવા,ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઈએ

ચાંદ,તારા,સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે કૈ ભવ્ય હોવું જોઈએ


-કવિ રાવલ