પડઘો..

મૌનનો અતિરેક પડઘો
સાંભળો ક્યારેક પડઘો

સૂર્ય ડૂબીને બને છે
રોજ સાંજે એક પડઘો

નભ બનીને વિસ્તરે છે
આ ક્ષિતિજ લગ છેક પડઘો

કેમ પડઘાતો રહે છે ???
એકલો પ્રત્યેક પડઘો

જો લગોલગ પાસ આવી
સ્પર્શતો હળવેક પડઘો

-કવિ રાવલ

આપણી વચ્ચે

સતત જલતી રહે છે એક શમ્મા આપણી વચ્ચે
ગઝલના શેર છે કે પદ કે નગમા આપણી વચ્ચે

સહજ બસ જીરવાય જાય સદમા આપણી વચ્ચે
સમજદારી ઘણી રે હાય ખમ્મા આપણી વચ્ચે

અહીં તો આપવનો અર્થ થાતો પામવા જેવો,
કરો ઉધાર તો યે થાય જ્મ્મા આપણી વચ્ચે

કબીરો,કોઈ મીરા,બુધ્ધ, કે નરસિંહની માફક
નથી રે'તી જગતની કોઈ ત્તમા આપણી વચ્ચે

કરીને હાથ ઉંચા તો દુઆ માંગો ખુદા પાસે
રહે કાયમ સદા આપસમા ઉષ્મા આપણી વચ્ચે

-કવિ રાવલ.

સિલસિલો...

ચાતરેલો એક ચીલો જોવા મળે છે
દોડવાનો સીલસીલો જોવા મળે છે

રાત દિવસ -ચાંદ,સૂરજ,તારા ફરે છે,
આભમાં ફરતો કબીલો જોવા મળે છે

'છોકરાને છોકરી વચ્ચે પ્રેમ છે હો' -
વ્યસ્ત ચર્ચામાં વડીલો જોવા મળે છે

એ - વિરોધાભાષમાં તો બસ મૌન છે પણ
આંખની અંદર દલીલો જોવા મળે છે

કાળ પ્રતિક્ષારત ઉભો છે જંગલમાં કોની ?
સાવ નિર્જન એક કિલ્લો જોવા મળે છે

-કવિ રાવલ
(Mishra Chand: ga la ga ga, ga la ga ga, ga ga la ga, ga।)

તથ્ય.

આ સમુહમાં કૈંક તો વૈવિધ્ય હોવું જોઈએ
માત્ર કિસ્સા નહિ કથામાં તથ્ય હોવું જોઈએ

અંત ને આરંભ તો હંમેશ હોવાના અહીં,
ધ્યાન ખેંચે તેવુ તેમા મધ્ય હોવું જોઈએ

નાટ્ય,સંવાદો,કથાનક-કેટલું કૈ છે છતાં
એમ લાગે છે કે થોડુક પદ્ય હોવું જોઈએ

લીંબડાનાં પાન કડવા,ડાળ કડવી કેમ છે ?
મૂળમાં એના હળાહળ સત્ય હોવું જોઈએ

ચાંદ,તારા,સૂર્ય ને આકાશગંગાઓ બધી
વિશ્વ વર્તુળની પરે કૈ ભવ્ય હોવું જોઈએ


-કવિ રાવલ

ગોઠવી જોજે

નદીનો અર્થ તારા નામ સામે ગોઠવી જોજે
બને તો બે'ય કાંઠા સામસામે ગોઠવી જોજે

હુ શું આપી શકુ ઉત્તર તને, તlરા સવાલોનો ?
સવાલો અન્તમાં અંજામ સામે ગોઠવી જોજે

દિશાઓને ય ક્યાં છે જાણ કૈ સૂરજનાં ઉગવાની..
સફર આશા અને મુકામ સામે ગોઠવી જોજે

પછી ફેલાવ પાંખોને, પ્રથમ નક્કી દિશા તો કર
પવનના રુખ અને આયામ સામે ગોઠવી જોજે.

જરા જોતો ખરા એ શું કરે છે દ્વરકામાં જઈ -
લઈને વાંસળી તું શ્યામ સામે ગોઠવી જોજે


Kindly note that I and Dr. Mahesh Raval बोथ
have written one Gazal on a common and
Radeef. So, one of his Gazals oalso have similar
Matlaa एंड Radeef.

-કવિ રાવલ