પાસ આવી અનેરા કો' પરિવેશમાં
કો'ક મીઠ્ઠું સપન આપી ગયું ભેટમાં


સ્પર્શ- આછો,ગહેરો ને અસરદાર એ
કોણ જાણે કહેતો'તો શુ સન્કેતમાં ?!!


રાતભર સ્વપ્ન જોયાનો નશો છે હજી-
એટલે તો સવારે હોઉ છું ઘેનમાં


છો દલીલો કરે - આરોપ મૂકે બધા
આવશે તો'ય ચૂકાદો એ તરફેણમાં


આમ તો સાવ પામી લીધુ'તું મે'ય પણ
હાથમાંથી છતાં સરકી ગયું સ્હેજમાં


કવિ રાવલ

(છંદ વિધાનઃ ગા,લ,ગા + ગા,લ,ગા,ગા + ગા,લ,ગા + ગા,લ,ગા )

ફર્ક છે નામનો પણ જુદા નથી
શું સનમનો જ મતલબ ખુદા નથી...


એક એહ્સાસ - જે આસપાસ છે,
ચીજ કૈં - કોઇ એ ગુમશુદા નથી

જલ સમી એ - વહેતી રહે સતત
ઝિન્દગી વ્હેણ છે, બુદબુદા નથી

જાત પાણીની ખુદનો પ્રવાહ છે...
કૈ ગરજ આપની નાખુદા નથી

એક નાજુક - નશીલો વિચાર છે !!!
ને સવાલાત પણ મોજુદા નથી


કવિ રાવલ

= + =

फर्क है नाम का पर जुदा नही
क्या सनम ही का मतलब खुदा नहीं ?

वो लहर सी बहेती रहे सदा
झिंदगी मौज है बुदबुदा नही

जल हु मे ख़ुद का बहाव है
कुछ गरज आप की नाखुदा नही

एक अहेसास जो आसपास है
चीज़ वो कोई भी गुमशुदा नहीं

एक नाजुक नशीला ख़याल है
कुछ सवालात भी मोजुदा नही


-कवि


અંદાઝ આપણો અલગ ને અદા છે અલગ-અલગ
વર્તન અલગ અને વિચાર બધા છે અલગ-અલગ

-કૈ ગુપ્ત વાત, કોઇ આજ અગર કાનમાં કહે -
કારણ અલગ,અરથ અલગ ને કથા છે અલગ-અલગ

ક્યારેક ઝાડ પર - કદીક વળી ઘાસમા ઉગે,
લીલાશ ફૂટવાની સર્વ જગા છે અલગ-અલગ

વિસ્તાર માત્ર એક બીજનો બ્રહ્માંડ થૈ ગયો
રૂપો અનેક - એકના જ થયા છે અલગ-અલગ

સન્માન હોય, પ્રેમ હોય, કલા હોય, હોય તપ,
ફિતરત અલગ,અલગ પ્રકાર, નશા છે અલગ-અલગ


-કવિ રાવલ

એક ઈશારો ગમે પણ આટલો ?!
અર્થ રૂપાળો ગમે પણ આટલો...
તું ગમે ને વાત તારી પણ ગમે
સાથસથવારો ગમે પણ આટલો ?!
જાંબલી આભાસ તારો બહુ ગમે -
સ્પર્શ હૂફાળો ગમે પણ આટલો ?!
હું ગઝલ લખતી રહું છું રાતદિન
શબ્દ નખરાળો ગમે પણ આટલો ?!
વાતને વાગોળવાની છે મજા -
જાતપંપાળો ગમે પણ આટલો ?!
ઝાડને લીલાશ ગમતી હોય છે
ડાળને માળો ગમે પણ આટલો ?!
શક્ય છે એકાન્ત ગમતું હોય એ -
દોસ્ત, સુનકારો ગમે પણ આટલો ?!!!
-કવિ રાવલ.