નયનો થયા જરા ભીના અને છલકાયા..
સપના ય થૈ ગયાં છે આંખનાં હેવાયI

મારા જ મનમગજના છે ખરેખર જાયા
મારા સુધી પહોંચે તો'ય વાયા વાયા

દ્રશ્યો બધાય જાણે દ્રષ્ટિથી સર્જાયા
દ્રશ્યો બધાય પાછા દ્રષ્ટિ થૈ ફેલાયા !

જો - એકમેકની સાથે જ છે અટવાયા -
નાતો, હયાતિ, વળગણ એટલે કે માયા

આવર્તનો ઉપર - આવર્તનો ઘૂંટાયાં
ફિલહાલ તો હશે - ખુદથી જ એ ઘેરાયાં

કેવાં જુદા જુદા નામો વડે પડઘાયા ???
સંવેદનો અને આભાસના પડછાયા !!!


-કવિ રાવલ
છંદ વિ ધાનઃ ગા,ગા,લ,ગા + લ,ગા,ગા,ગા + લ,ગા,ગા,ગા,ગા
છોડવાનું હોય છે ગોકુળ બધાને આખરે
 ઍ જ કરતું હોય છે વ્યકુળ બધાને આખરે


કવિ રાવલ

ક્યાંક અંદર આપણી પણ ચોર છે
એટલે કે આ દુનિયા ગોળ છે..

શ્વાસ થઈ કે રક્ત થઈ હલચલ કરે -
હું નથી તો મારી અંદર કોણ છે ??!

 વર્તુળાકારે ગતિ કરતા રહે -
જાતમાં વમળો અને વંટોળ છે...

સ્થિરતાની શોધમાં ને શોધમાં -
રોજ કેવી થાય દોડમદોડ છે...

 શુધ્ધતા વિષયક ધણાં છે પ્રશ્ન પણ....
શુધ્ધતાને પ્રશ્ન કોઈ હોય છે ???!!!


 -કવિ રાવલ

છે અનોખું ને નિરાળું
મારી ભીતર વિશ્વ મારું

હું જ જાણું - હું જ માણું -
માત્ર એને હું નિહાળું

દર્દ જાણે કાળું નાણું -
સાંચવુ છું છાનુંમાનું..

કેમ લાગે આવું વ્હાલું ??
એ તને સમજાય શાનું ??

શક્ય છે લાગે નકામું -
સ્વપ્ન એ મોટા ગજાનું...

કુ. કવિ રાવલ

એમનું છાનુ અસ્તિત્વ આ - કેમ સમજાવવું હવે ?
જોઈલો બસ તમે આખમાં આંસુનું આવવું હવે...!!!

આ અભાવોનુ વન સાવ ખાલી અને સ્તબ્ધ છે બધું -
પાનખરની આ મોસમમાં ક્યાંથી કશું વાવવું હવે ?..

રિક્તતા માત્ર પોતાની - બાકી બધું તો છે અન્યનું
પારકી ચીજથી શક્ય છે ? મન બહેલાવવું હવે ?

આપના વીણ વરસાદ આ ભીંજવી પન નહીં શકે....!
છે નિરર્થક અહીં વાદળૉનું'ય ઘેરાવવું હવે...

કારણો સ્પષ્ટ આપી શકાતા નથી - સૌ બનાવનાં
કોઈ કારણ અકારણનું ક્યાંથી કહો લાવવું હવે ?!!........

-કવિ રાવલ.
ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.

સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ -
સાવ થઇ જાઓ અવાચક શક્ય છે..

પ્રેમની પેચીદગીને તો જુઓ -
કારણો એના અકારણ શક્ય છે..

ખૂશ છે ભૂલી જઈને એ બધું -
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે...

બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં નાં હો તફાવત શકય છે..

માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે -
તે મળે સામે અચાનક શક્ય છે..

જિંદગીભર માન્યું હો જેને ગલત
અંતમાં લાગે બરાબર શક્ય છે..


કુ. કવિ રાવલ
માપદંડો કેટલાં સાચા અને ખોટા કહો ?
છે બધાં મોટા ખરેખર કેટલાં મોટા કહો ?!

ત્રાજવા લઈને તમે ઉભા રહો તો થાય શું ? -
સત્ય કે સંવેદનાના હોય શું જોટા કહો ?

તોલશો કે માપશો કઇ રીતથી એને તમે ?
ધુમ્મસી છે તત્વ - યા તો ધુમ્મસી ગોટા કહો..

ના વજન, લંબાઈ, પહોળાઈ - કલર, ગુણ, ગંધ નહિં -
તો'ય એના પાળશો ક્યાંથી તમે ફોટા કહો ?

સત્ય કે માયા વચાળે ફેર શું - કોને ખબર ?
તો ખરા કોને અને કોને તમે ખોટા કહો ?

-કુ. કવિ રાવલ
શબ્દો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે
પડઘો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ઘેઘૂર આ લીલાશની ડાળો વચાળે થઈ અને પડતો રહે -
તડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ભરચક બફારો એટલે બાષ્પીભવન - ટપ ટપ થતા વાદળ સમી,
આંખો - અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

ભીની હવાનાં સ્પર્શથી હલતાં રહે છે રાતદિન કેવાં સતત -
પર્ણો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે

આ ઝિંદગી રોમાંચ છે સંવેદનો બસ અર્ક છે રોમાંચનો
થડકો અને આ મૌનનો ભાવાર્થ બસ પંખી અને આકાશ છે


-કવિ રાવલ
દરિયો - કિનારા - હલેસા - પ્રવાસી..
પડળ આ બધાં ને લહેરો તપાસી..

જુવો - આજ મંદિરની લેવા તલાસી
દિવાનાં પ્રકાશે - ઉભી દેવદાસી !!

શશી જો ન પામે તો આખી અગાસી -
કહે છે કથા મોઢું એનું વકાસી -

વધારે ઘટાડે - રમત એ રમાડે
ધરી મસ્તકે ચંદ્ર - પૂનમ અમાસી..

ધજા જેમ નર્તન કરે સ્થિર રહીને -
નિરાકાર - નટરાજ, સ્વરનો સમાસી


- કવિ રાવલ
મને ઘેરી વળે છે એમ આ મારા વિચારો
વળે ઘેરી ધરાને જેમ - આકાશી ભુજાઓ

લહેરાતી,સરળ ને ભવ્ય ભરચક સૌ છટાઓ
મહેલોની ઉપર જાણે ફરકતી હો ધજાઓ

તમે છો કે તમારો કેફ છે આવો સુંવાળો
નશો છે એક ને છે કેટલાં એના પ્રકારો ..

જવાબોમાં ય એનાં હોય છે કેવાં સવાલો ?!!
નદી,પનધટ, ઘટા, વાદળ અને ગેબી ગુફાઑ

કે - ઉન્નત મસ્તકે ઉભા અડગ કેવાં પહાડો !!
કવિતા છે કે કુદરતની રચેલી છે ઋચાઓ




કુ. કવિ રાવલ
વેરાનગી, સુક્કી હવાઓ, સ્તબ્ધ નિર્જનતા, સુના છે ઓટલા..
ભેંકાર રસ્તો, દ્વાર, બારી, હિંચકો, ઘર, આંગણુ ને ટોડલા..



વાતાવરણ ખાલી અને છે સુષ્ક - ને છીયે અમે બસ એકલા..
માળામાં પંખીને ન ફાવ્યું - એટલે ત્યાગી દિધાં છે ઘોસલા...



બંધારણોની એ દિવાલો ને દિવાલો - આપણે પણ યન્ત્રવત -
ખળખળ વહેતી આ નદી સમ ઝિન્દગીના થૈ ગયા'તા ચોસલા...



છે મુક્તિ ને અવકાશની સાથે વિકલ્પો ને વિમાસણ પણ અહીં -
તો ત્યાં હતાં બસ સંકુચિતતા, ગૂંગણામણ, ભીસ, ઝીણા ગોખલા..



આવઢવ, વિચારો, ઝિન્દગી જાણે કે જંગલ ગાઢ- અંધારૂ અને -
એકાન્ત એવું છે અહીં કે - ભલભલાના જાય ભાંગી હોસલા...



-કવિ રાવલ.
ગુજરાત છે ગુણવાન છે
એ આપણી પહેચાન છે


પર્વત, નદી, સાગર, વનો
સૌંદર્યનું વરદાન છે


વૈવિધ્યતામાં એકતા -
છે એટલે બળવાન છે


સમૃધ્ધિ ને વિકાસ જ્યાં -
સુખ, શાંતિ ને સન્માન છે



બસ મોખરે રહેતું સદા..
ભારતની તો એ શાન છે..
વળગણ અને અવલંબનો
છે કેટલાં સમ્બોધનો .....


રોમાંચના સૌ સર્જનો...
બારીક - ઝીણાં કંપનો...


આ ગાલના છે ખંજનો
જાણે જડેલા ચૂંબનો !!!


છે મૌનમાં પણ ગુંજનો -
પડઘા બની ગૈ ધડકનો...



સંવેદના ને સ્પંદનો
એને ઘણાંયે વંદનો...





-કવિ રાવલ.
સુખ, શાન્તિનો પેગામ છે ગુજરાત આ.
સુન્દર અને ગુણવાન છે ગુજરાત આ.


ગાન્ધી અને સરદારનો ધરતી મહીં -
બસ ગૂંજતો લલકાર છે ગુજરાત આ


આબોહવા, ખેતી, વિવિધતા માત્ર નૈ
પણ પ્રેમથી ધનવાન છે ગુજરાત આ.


વેપાર, ઉદ્યોગો, કલા, સંસ્કૃતિ, બળ,
વિકાસનું એલાન છે ગુજરાત આ.


હિન્દુ, મુસલમા, શીખ, ઈશા, પારસી
સૌનુ અનુસન્ધાન છે ગુજરાત આ.


રંગીન,ભોળા,શાન્ત મનના માનવી
ને એમની પહેચાન છે ગુજરાત આ.


સંભાળજો - શણગારજો, સહકારથી,
બસ એટલું આહવાન છે ગુજરાત આ.


સપના અહીં ને ભાવિ અહિયા આપણું
સૌ લોકનું અરમાન છે ગુજરાત આ.


ગુજરાતના છીએ બધાયે આપણે
ને આપણું સન્માન છે ગુજરાત આ.




કુ. કવિ રાવલ.
કેટલી બધી અશક્યતાઓ વચ્ચે - એક માત્ર શક્યતા..
તો'ય હું ઝઝૂમતી રહી સદાય - એ જ એની ભવ્યતા..



એકલવ્ય જેમ - સાધના કરી છે - એકલા અને સતત..
એટલે લખીને હું ગઝલ - કરૂ છું સિધ્ધ - મારી લવ્યતા..



હા - હું પણ 'પ્રભુને પૂજવા' જઈ શકું છું મંદિરે બધાં -
પણ મને નથી સ્વિકાર્ય - પથ્થરોની હોય એમાં મધ્યતા..


પારદર્શી ને સહજ હું સાવ બસ બની ગઈ છું એટલે -
આરપાર ઉતરે હવે પ્રભુ - તો એ જ મારી ધન્યતા....



લોક સમજતા નથી - કરે છે એટલે 'વિરોધ' આમ તો -
આમ તો હું વ્યોમ જેવી સ્પષ્ટ છું ને એ જ છે અગમ્યતા....


- KAVI Raval
છંદ:ગા-લ-ગા-લ-ગા-લ-ગા-લ-ગા-લ-ગા-લ-ગા-લ-ગા-લ-ગા-લ-ગા


ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…

આંખોં જરા પહોળી કરી – પાછા જુવે સામું -
- વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…

જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…

મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે -
વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !




- કવિ રાવલ

વતન ગોકુળ ને ગીતા સમી તુ રાહ દે
મને તારી જ આગોસમાં પનાહ દે


રહે છે તું બધે આસપાસ હરપળે -
જુવે સર્વે તને એ જ બસ નિગાહ દે


કરી દે છે અરે એ ઝહેર પણ અમૃત,
મને મીરા સમી આપ ભક્તિ,ચાહ દે


અરે એ દર્દ પણ હોય તો મજાનુ છે
બને જે પદ,ગઝલ,કાવ્ય એ જ આહ દે


બને નર્તન, રહે નૃત્ય,નૃત્ય,નૃત્ય બસ
અવસ્થા એક એવી જ વાહ-વાહ દે..


કવિ રાવલ
(છન્દ વિધાન = લ,ગા,ગા,ગા + લ,ગા,ગા + લ,ગા,લ,ગા,લ,ગા)

આ હવા સમ જીવવું એ તો છે કલા
राह पर सब साधु तो है चलाता भला ।


આ સમય અર્થાત - ઘટનાના કાફલા
સાંચવો નાજુક અને નમણા મામલા


હોય છે નોખા નિયમ આ બ્રહ્માંડના
શક્ય છે પળમાં ઘટે જોજન ફાસલા


લય, તરંગો, ભાવનાની આ વાત છે
ચેતનાનું છે ગણિત અથવા દાખલા


પથ્થરોનું રૂપ લૈ આવ્યાં છે પ્રભુ -
લો - કરો રે કંકુ, પેરાવો નાગલા



કવિ રાવલ.
છન્દ વિધાનઃ ગા,લ,ગા,ગા - ગા,લ,ગા,ગા - ગા,ગા,લ,ગા
ઉગીને નાભિમાં - ફેલતા છાતીમા, ને રક્તમાં ભળતા કદાચિત
નસેનસમાં - વમળ- આ તરન્ગોના જ રે'તા હવે તરતા કદાચિત

બધી લીલાશ, પન્ખી - અને માળો ગયાં ઝાડમાંથી એટલે તો...
રડે છે વ્રુક્ષ - ને આંસુ માફક ડાળથી પાંદડા ખરતા કદાચિત

ગણિત અર્થાત - હલચલ,તરન્ગો,સ્પન્દનોનો બનેલો દાખલો બસ-
સરળ કે ગૂઢ - આ ગૂંચવણની ગાંઠને સૌ સતત ગણતા કદાચિત

ગહન હો જ્ઞાન યા હોય પાગલપન - દશા બેય સરખી સાવ જાણે,
અવસ્થા કૈ હશે ? - એ'ય મસ્તીમાં રહે છે બધે ફરતા કદાચિત

હવાની જેમ નીકટ વહે, - સ્પર્શે - સરે ઓઢણી માફક અચાનક -
પરમ પોતે બની શ્વાસ-પળપળ ભીતરે સાવ-સળવળતા કદાચિત..


- કુ. કવિ રાવલ

ઉઠાવીને બધી બંદિશો
સફાળી નીકળી ગઈ ચીસો..


હુ ખરબચડો કહું કે લીસ્સો ?
હતો જે લાગણીનો કિસ્સો...


પછી ના કેમ પાડુ મિત્રો ? -
ધરી જો જામ પૂછેઃ 'પીશો' ?

હ્રદયને થાય પીડા કેવી ?
મરણ પામે અગર ખ્વાહીસો...


વિખેરાઈ ગયું હોવાપણું
સમેટવાની ન કર કોશિશો




-કવિ રાવલ.